Friday 25 August 2023

પ્રાચીન ગુજરાતી બાળગીત જોડકણાં


1
એક બિલાડી જાડી 
તેણે પહેરી સાડી 
સાડી પહેરી ફરવા ગઈ 
તળાવમાં તે તરવા ગઈ 
તળાવમાં એક મગર 
બિલ્લીને આવ્યા ચક્કર 
સાડીમાં છેડો છૂટી ગયો 
મગરના મોમાં આવી ગયો 
મગર બિલ્લી ખાઈ ગયો

2
સામે એક ટેકરી છે 
ત્યાં વડનું ઝાડ છે 
ઠંડી મજાની હવા છે 
કાલે ત્યાં જાશું ભાઈ 
ઉજાણી પણ કરશો ભાઈ 
જમીને પાછા આવશે ભાઈ 
કેવી મજા ભાઇ કેવી મજા

3
લાંબો લાબો મગર 
જોતા આવે ચક્કર 
પાણીમાં તે તરતો જાય 
સરરર સરરરર  તરતો જાય

4
મોતિયા મોતિયા તું તું 
રોટલો રોટલો તુ તુ 
મારો મોતિયો આવતો 
બે પગેથી ઉભો થાય 
ઝડપ રોટલો ઝડપી જાય 
ખાઈને પાછો સુઈ જાય 
આખો દિવસ ઊંઘ્યા કરે 
રાતે જાગી ચોકી કરે

5
મોર મોર આવજે 
સાથે ઢેલ લાવજે 
મારે આંબે બેસજે 
ડાળી ડાળે ફરજે 
દાણા નાખું ચરજે 
પાણી પાવું પીજે 
થઈ નાચજે 
લોકોને નચાવજે

6
લાલ મજાનું ટામેટું 
ગોળ ગુલાબી ટામેટું 
રસ ભરેલું ટામેટું 
ખાવ મજાનું ટામેટું

7
દડબડ દડબડ દોડું છું 
ચણા ઘાસ ખાઉં છું 
ગાડીએ જોડાવું છું 
કાંકરીએ જાઉં છું 
બધાને ઉપયોગી થાu છું 
બોલો હું કોણ છું.... ઘોડો

8
એક હતી શકરી
તેને પાળી બકરી 
શકરી ગઈ ફરવા 
બકરી ગઈ ચરવા 
ફરીને આવી શકરી 
ન જોઈ એણે બકરી 
રડવા લાગી શકરી 
આવી પહોંચી બકરી

9
કુકડે કુક કુકડે કૂક 
ખેતરે જાવું 
દાણા ખાવું 
પાણી પીવું 
ઘરરરરર કરતા ઉડી જાવ

10
બાજરોને બંટી 
હલકી થાય ભારે થાય 
જાડો ઝીણો લોટ દળાય 
દાણા નાખ્યા ગાળા માં 
લોટ પડે તે થાળામાં 
લોટનો તો રોટલો થાય 
રોટલા ખાઈને જાડા થવાય

11
ડુંગર ઉપર ડોશી, એને તેડાવ્યો જોશી 
ડોશી કહે ઉપર આવ, જોશી કહે નીચે આવ
નીચે તો હું આવું નહીં, ઉપર તો હું જાવું નહીં 
એમ બંને લડી પડ્યા, ડોશીમા તો ગબડી પડ્યા

12
ઓ વાદળી વરસ વરસ 
લાગી છે બહુ તરસ તરસ 
ફોરા પડશે ટપક ટપક
જીલી લઈશું લપક લપક
ખારા પાણી સાગરના
મીઠા પાણી ગાગરના

13
મામા નું ઘર કેટલે? 
દીવો બળે એટલે.
દીવો મેં તો દીઠો 
મામો લાગે મીઠો 
મામી મારી ભોળી
મીઠાઈ આપે મોળી
મોરી મીઠાઈ ભાવે નહીં
રમકડા કોઈ લાવે નહીં....

14
નાની મારી ખોલી 
આવે ત્યાં ખિસકોલી 
હળવેથી તે બોલી 
કોણ કહે હું ભોળી 
આડુ અવળું જોઉં છું
નિશાન તાકી લઉં છું
ઝટપટ દોડી જાઉં છું
જે મળે તે ખાઉ છું

15
ચકા રાણા ચક્કી રાણી 
નાખુ દાણા નાખુ ધાણી 
મારે બારણે આવો 
ચપ ચપ દાણા ખાવો 
દાણા ખાવો ધાણી ખાઓ 
થોડા થોડા લેતા જાવ 
લઈને જાવ માળે 
બચુડીયા બોલાવે 
બચુડીયા ને ધાણી આપો 
ધાણી સાથે પાણી આપો 
આપી પાણી પાછા આવો 
ધાણી દાણા ખાવો 
ઝાઝા ધાણી દાણા ખાવો 
ફરરરર કરતા ઉડી જાઓ 

16
સૌ છોકરા આવો 
ચાંદાપોળી ખાઓ 
નાના આવો મોટા આવો 
સાથે ભાઈબંધોને લેતા આવો 
નાના માટે નાની પોળી 
મોટા માટે મોટી પોળી 
એક ખાવ 
બે ખાવ 
ખાવી હોય તો ચાર ખાવ
સરસ મજાની મીઠી પોળી 
નાની મોટી ચાંદાપોળી

17
કેવું સુંદર છે ઘડિયાળ 
ટીક ટીક ટીક ટીક ચાલે ચાલ 
રાત દિવસ કે ચાલ્યા કરે 
અટકે તો કંઈ ગમ ન પડે

18
કાગડાભાઈ કાગડાભાઈ 
કાગડાભાઈ કાકા કાકા
ભલે તમે પાકા આજે નહીં ફાવો 
સીધા ઘરે જાઓ .. મારી પૂરી બાકી 
જોતા બેઠા તાકી ...
જુઓ ... આ મોમાં ગઈ ...
આવજો કાગડાભાઈ

19
કુતરો બેઠો ઘરની બહાર સુંદર એના શોભે વાળ 
પૂંછડી એની લટપટ, એ છે અજાણ્યાના કામ 
શેરીનો સાચો રખવાળ, કુતરો સારો દ્વારપાળ..

20
દીવાસળીના ખોખા લીધા તેના તો મેં ડબ્બા કીધા 
પહેલું ઊભું ખોખું બનાવી દીધું એન્જીન મોટુ 
છુક છુક છુક છુક એન્જિન આગળ જાય 
ડબ્બા પાછળ દોડતા જાય 
દોડતા દોડતા આવી ભીત 
ઘડાક કરતું અથડાયું એન્જિન 
એન્જિન ભાંગી ભૂકો થાય 
ડબ્બે ડબ્બા છૂટા થાય 
ડબ્બા મટીને ખોખા થાય 
રમત રમતા બાળ પર વારી જવાય

21
પોષ મહિનો આવ્યો 
સાથે પતંગ લાવ્યો 
ખેંચી ખેંચી ખૂબ ચઢાવ્યો 
બાળકને મનમાં બહુ ભાવ્યો
બજરંગી પતંગ લાવ્યો 
કિન્યા બાંધી ઊંચે ચઢાવ્યો
જો પેલો પેચ લગાવે 
છો ને લાગે એ શું કાપે 
એ કટકા દોરી છોડ 
કપાય એ અટવાય

22
એક હતી બિલ્લી 
જાય શહેર દિલ્હી
દિલ્હીથી જાય કાશી 
જાય બિલ્લી માસી
કાશીથી સુરત 
આવી પહોંચે તુરત 
ત્યાંથી જાય ઘેર 
કરે લીલા લહેર

23
એક બે ત્રણ 
હોંશે હોંશે ગણ 
ચાર અને પાંચ 
ફરી ફરી વાંચે 
છ સાત આઠ 
થયા એના પાઠ 
નવ અને દસ 
હમણાં એટલું બસ

24
એક દો તીન ચાર 
બાળક સૌ હોશિયાર 
જો જો ગરબડ નહીં થાય 
ગીત મધુરું ચાલુ થાય..

25
બે બળદ નું ગાડું 
ઉપરથી ઉઘાડું 
ખડબડ બોલે 
ખેતીવાડી જોડે 
ગામડાની એ મોટર 
બળદને બે જોતર

26
મેહુલા આવજે વાદળા લાવજે
થાજે ગુદુદુ ગુદુદુ, ઝરમર આવજે
વીજ ચમકાવજે ગાજે ઘુદુદુ ઘૂદુદુ
છબછબિયા કરશો ખોબલે ભરશું 
હોડી પણ એ કાઢશું હુદુદુ હુદૂદુ

27
મગર માછલા તરતા હતા 
જીણા ફૂલડા ખરતા હતા 
ફુલડે ફુલડે મધમાખી 
ગામને પાદર ઉતર્યા બાવાજી
બાવાજી વગાડે મોઢે શંખ 
વીંછી મારે ઝેરી ડંખ

28
ખિસકોલી નું દુખે પેટ 
રાતે આવ્યો એનો જેઠ 
જેઠને લાગી ભારે ભૂખ 
ગાડી ચાલે ભકચુક 
ગાડીની લાંબી લંગાર 
વ્હોરો કરે ભેગો ભંગાર 
ભંગારમાં બે ડબલા 
ફઈબા લાવ ઝભલા

29
મનુ કનુ ઝાડે ચડ્યા, ગામના કુતરા પાછળ પડ્યા
એક કૂતરે બટકું ભર્યું, ઝાડ ઉપરથી પાંદડું કર્યું
પાંદડા ઉપર કીડી ચઢી, માસીએ ખાધી ખાટી કઢી

30
પતાસાની પોળમાં 
15 પગથિયા ઉતરવા 
15 પગથિયાં ચડવા 
મહિ મહા દેવના દર્શન કરવા
દર્શન કરતાં રાત પડી 
કાલે સાલ્લે ભાત પડી 
ભાત પાસે ઓટલો 
વાળો ગંગાજીનો ચોટલો
પાર્વતી ને જડી રીસ 
પગથિયા થયા 30

31
એકલ ખાજા 
રૂ રમીને તાજા 
તિન તડાક 
ચોગલ મોગલ 
પંચમ ગાલું 
છબ્બે છૈયા 
સત્તક પૂતળી
અઠાક ધણલું 
નવાબ ઠળિયો
અને દશાક પડિયો

32
કુતરા સામસામે ભસ્યા 
બાએ ગોપી ચંદન ઘસ્યા
ગોપી ચંદન પીળે રંગ
રામજી ચાલ્યો નાહવા સંઘ
મીઠા ગંગાજળના પાન 
ચંપકલાલ ની ચાલી જાન
જોને જાનૈયા છે ઘણા 
ફળિયામાં દીઠા મીઠા
મીઠું લાગે ખારું
એકવીસ પૈસા હું હારું (odd case)

33
મહેતાજીની ઘોડી, ત્રણ પગે ખોડી 
એક પગ હાલે ચાલે, પાતાળમાંથી પાણી કાઢે
એ પાણીનું શું કરીએ
મા બાપના પગ ધોઈને પીએ
આજે દિવાળી કાલે દિવાળી
ગામના છોકરા ખાય સુંવાળી
મેઘ મેઘ રાજા જુઓ તમે 
દિવાળીના બાજરા તાજા માજા

34
વાદળ કરજે ગરડ ગરડ
બીજલી ચમકે ચમક ચમક
વરસે ફોરા ટપક ટપક
માટીની સોડમ સરસ સરસ
દોડ્યા અમે ઝટપટ
પાણીમાં કરીએ છબક છબક

35
વાતોડિયા એક અમથાભાઈ 
કહેતા બહાદુરીના કામ 
નિશાળે બેઠા સોમવારે 
રજા પડી મંગળવારે
પાટી લાવ્યા બુધવારે 
તોડી નાખી ગુરુવારે
પેન લાવ્યા શુક્રવારે
તોડી નાખી શનિવારે
અમથા રામને પડી મઝા 
રવિવારે પડી રજા...

36
નાની સરખી ખિસકોલી બાઇ જાત્રા કરવા જાય
સૌથી પહેલી કાશી જઈને ગંગાજીમાં નહાય
સ્ટેશન ઉપર ટિકિટ માંગતા માસ્તર, ગભરાઈ જાય
છુકછુક કરતી ગાડી આવી બારણાં ખુલી જાય

37
પી પી પી પી સીટી વાગે
છુકછુક છુકછુક ગાડી આવે
ટિકિટ કપાવો બેસી જાઓ
નહિતર તમે રહી જાવ
ટન ટન ટન ટન ઘંટા વાગે
ત્યારે સુતેલા જબકીને જાગે

38
મારા પ્રભુજી નાના છે 
દુનિયાના તે રાજા છે 
આભે ચઢીને ઊભા છે 
સાગર જળમાં સુતા છે 
યમુના કિનારે બેઠા છે 
મીઠી બંસી બજાવે છે 
પગમાં ઝાંઝર બાંધે છે 
છનનન છનનન નાચે છે

39
એન્જિન બોલે ભકભક
બોલે ચક ચક
ચાંદો ચમકે ચમક ચમક
બાબો ચાલે ઝટપટ જટપટ

40
તાતા તાવડી 
મામા લાવ્યા રબડી 
રબડી તો કાચી 
નાની મામી નાચી

41
માથું એનું અંગ છે 
રેતી જેવો રંગ છે 
રેતીનું એ વાહન છે 
એનું નામ શું છે 
ઊંટ ભાઈ ઊંટ ભાઈ

42
આવ રે વરસાદ 
ઢેબરીયો પ્રસાદ 
ઊનીઊની રોટલી 
કારેલાનું શાક

43
વાર્તા રે વાર્તા 
ભાભા ઢોર ચારતા 
ચપટી બોર લાવતા 
છોકરા સમજાવતા 
એક છોકરો રિસાણો 
કોઠી પાછળ સંતાયો
કોઠી પડી આડી 
છોકરાએ રાડ પાડી
અરરર રમાડી

44
માધવજીનું મોટું નામ 
ઘરમાં થતું મોટું ધામ 
ધામે ઘરમાં ગુમડા થયા 
બેનના સાસુ સ્વર્ગે ગયા

45
સ્વર્ગ ની લાંબી નિસરણી 
કોઈએ માળે નવરે ચણી
ચણતા લાગ્યા ચાર જ વાર
મૃતક ભાઈનો આવ્યો તાર

46
ગામમાં ન મળે રહેવા ઘર ટૂંકી વહુનો લાંબો વર
વરણી સીમમાં ખેતર નહીં સાઠે નાસી અક્કલ ગઈ
અક્કલ હોત તો રાજા થાત ઘોડે બેસી ફરવા જાત
ફરતા લાગ્યો થાકોડો કોરો ભાઈનો પહેરે પગે તોડો(ઘરેણું)

47
અલાલીયો ગલાલીયો 
ગળતો મારો વીર 
ઘોઘા માં ઘર અને પાટણમાં પીર..

48
ગપ્પીને ઘર ગપ્પી આવ્યા, આવો ગપ્પી જી 
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બીજ!!!

49
બટકો રોટલો થીજેલું ઘી, દરિયો ધૂણે રાત ને દિ

50
ઘોઘા ઘોઘા ઘોઘા સલામ
નાથી બાઈના વીર સલામ
પહેરે પટોળા ઓઢે ચીર
ગોદડીયા અને ગોળી વાગી 
જાય ગોદડીઓ નાઠો
ઘૂઘરી નો ધમકાર
ટોકરી નો ટમકાર
આગલો બંદૂકદાર 
પાછલો ચોકીદાર
આચલા કાચલા 
તેલ દે ધુપ દે 
બાબા ને બદામ દે, 
તેરા બેટા જીતા રહે...

51
પાંચ પાપડ કાચા કાકા 
પાંચ પાપડ પાક્કા કાકા
પાકા પાકા રાખો કાકા 
કાચા કાચા આપો પાછા

52
રામ નામ લાડવા 
ગોપાલ નામ ઘી
કૃષ્ણ નામ ખાંડ ખીર 
ઘોળી ઘોળી પી.

53
ગણગણ સાંબેલું તેલ તેલ પળી 
ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
બળતી હોય તો બળવા દેજે 
ઠરતી હોય તો ઠરવા દેજે
સખી રોટલો ખાવા દેજે 
આવ રે કાગડા કઢી પીવા...

54
મીંદડી ને માળો નહીં, ઉંદરને ઉછાળો નહીં 
નાગર બચ્ચો કાળો નહીં, ગરાસિયો ગોઝારો નહીં
કણબીની નાત બહાર નહીં, ચાટવા ને ફાળ નહીં 
ઘર જમાઈને લાજ નહીં, દીકરાને કયારેક માં નહી..

55
સોમવારે મેં દૂધ ભર્યું ને મેળવ્યું મંગળવારે 
બુધવારે મેં છાશ કરી ને માખણ ગુરુવારે 
શુક્રવારે ચૂલે ચઢાવ્યું તાપ્યું ઝીણા તાપે 
શનિવારે ભર્યો ગાડવો, મે અને મારા બાપે 
રવિવારની રજા નિશાળે, ઘેર મજાનું ઘી 
આવરે છગન આવ રે મગન 
ઉભો ઉભો પી...

56
એક બોરડી નો કાંટો 18 હાથ
તેની ઉપર વસ્યા ત્રણ ગામ
બે ઉજ્જડ અને એક વસે નહિ
તેમાં આવ્યા ત્રણ કુંભાર
બે આંધળા ને એક દેખે જ નહીં
તેણે ઘડી ત્રણ તોલડી
બે ફૂટેલી ને એક સાજી નહીં
તેમાં ઓરિયા ત્રણ મગ
બે ગાંગડું ને એક ચડે નહીં
તેમાં નોતર્યા ત્રણ બ્રાહ્મણ
બે ઉપવાસી અને એક જમે જ નહીં
તેને આપી ત્રણ ગાય
બે વાંઝણી અને એક વિયાય નહી
તેને આવ્યા ત્રણ આખલા
બે ગાળીયા ને એક ચાલે જ નહીં
તેણે વાવ્યા ત્રણ ભાઠોડા
બેઉ ખર અને એકમાં ઉગે જ નહીં
તેમાં આવ્યા ત્રણ કળતરું
બે આંધળા ને એક દેખે જ નહીં
તેને આપ્યા ત્રણ રૂપિયા
બે બોદા અને એક ચાલે જ નહીં





No comments:

Post a Comment